પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - ડો.જોસેફ મર્ફી

તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓને ઓળખો સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણાં મગજની ૧૦% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી,છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણાં મગજની બાકીની ૯૦% શક્તિઓને જાણી લઈએતો શું શું ન કરી શકીએ ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો,ઉષ્માભર્યા સબંધો કેવી રીતે વિકસાવવા,ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી તે આ પુસ્તકના ઉપયોગ દ્વારા પ્રેરણા મેળવી શકાય છે. પાવર ઓફ યોર સબકોન્શસ માઇન્ડ’ જોસેફ મર્ફીનું જાણીતું પુસ્તક છે. જેમાં અચતેન (સબકોન્શસ) મનની શક્તિનું વિશ્લેષણ કરાયું છે. લેખક પૂર્વના ધર્મગ્રંથોના અભ્યાસી છે અને ભારતમાં પણ રહી ચૂક્યા છે. અચેતન મગજ કે ચિત્ત કઇ રીતે કામ કરે છે તે મનોવિજ્ઞાનમાં સંશોધનનો વિષય છે. આપણી વર્તણૂંક પર તેની શી અસર થાય છે તે વિશે લેખકના વિચારો જોઇએ.

અચેતન મગજની કાર્યપદ્ધતિને સમજી શકાય તો આપણાં સ્વપ્નો સાકાર થઇ શકે છે. આ મગજ જે વિચારે છે તેના પર આપણા નિર્ણયો કે માન્યતાઓનો આધાર છે. જેને આપણે પૂર્વગ્રહ કહીએ છીએ તે પણ આ મગજનું જ યોગદાન છે. ફોટોગ્રાફીના ડાર્કરૂમ સાથે એને સરખાવી શકાય જ્યાં ચિત્રનો આકાર ઘડાય છે. કંઇ બને તે પહેલાં જોઇ શકવાની આ શક્તિ છે. જેને અંત:જ્ઞાન (ઇન્ટ્યૂશન) કહી શકાય. અમુક કામોમાં મન નથી માનતું તેનું આ મુખ્ય કારણ છે. આ વિચારોને જો નિયંત્રિત કરી શકાય તો જીવન બદલી શકાય છે. આપણા જાગ્રત મગજના વિચારો તર્કસંગત હોય છે જ્યારે અચેતન મગજ ભાવનાત્મક હોય છે. એ સારા કે ખરાબનો ભેદ પાડ્યા વિના આપણે જે ફીડ કરીએ તે સ્વીકારી લે છે.

આ મને સ્વીકારેલા વિચારો જ છેવટે આપણી શ્રદ્ધા કે વિશ્વાસનો પાયો બની જાય છે. એને પોતાની પસંદગી નથી માટે નિષ્ફળતાના વિચારો પણ વિશ્વાસ બની સફળતામાં અવરોધરૂપ બની જતા હોય છે. લેખક માને છે કે આ વિષયમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સનું મોટું યોગદાન છે. જો આ મગજની શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો અઘરાં કામ પણ સહેલાં બની શકે છે. હકીકત જે પણ હોય આપણે જેને સત્ય માનીએ છીએ તે જ સત્ય બની જાય છે. સ્વસ્થ વ્યક્તિ અને માનસિક રોગી આ બંને પોતાનાં આ મગજની શ્રદ્ધાના આધારે વર્તન કરતાં હોય છે.

માનસિક રોગીની ખોટી માન્યતાઓને દૂર કરવા એમના અચેતન મગજની સારવાર કરવી પડે છે. પ્રાચીન સમયથી ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર દ્વારા આ મગજમાં શ્રદ્ધાનો સંચાર થતો હોય છે. ગંભીર રોગથી પીડાતા દર્દીની સ્થિતિમાં ક્યારેક ચમત્કારિક સુધારો જોવા મળતો હોય છે. આ એના અચેતન મગજની શક્તિના લીધે બનતું હોય છે. સારા વિચારો સારી અસર પેદા કરતા હોય છે માટે જ દરેક પ્રેરણાત્મક પુસ્તકમાં પોઝિટિવ વિચારો પર ભાર મૂકવામાં આવે છે. અચેતન મગજમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવી જરૂરી છે. આ કામ અઘરું જરૂર છે, પણ અશક્ય નથી. અચેતન મનમાં શ્રદ્ધાનો સંચાર થશે તો આત્મવિશ્વાસ પણ આવી જશે. જો આપણા કામમાં શ્રદ્ધા નહીં હોય તો તર્કસંગત પ્રયાસ કે યોજના પણ અસફળ થઇ જાય છે. જાગ્રત મન શંકાશીલ છે, જ્યારે અચેતન મન કોઇ પણ ચકાસણી વિના બધું જ સ્વીકારી લે છે. સફળતા માટે આ મગજની શક્તિ સમજવી ખાસ જરૂરી છે.