Mahasagarno Malik (Gujarati Translation of 20000 Leagues Under The Sea) By Jules Verne

મહાસાગરનો માલિક (ગુજરાતી અનુવાદ 'ટ્વેન્ટી થાઉંસન્ડઝ લિગ્ઝ અન્ડર ધ સી' ) ( દરિયાઈ સાહસ કથા )

જુલેવર્ન

અનુવાદ અને સંક્ષેપ: શ્રીકાંત ત્રિવેદી

જુલેવર્નનું 'ટ્વેન્ટી થાઉંસન્ડઝ લિગ્ઝ અન્ડર ધ સી' ઘણું પ્રખ્યાત પુસ્તક છે આપણે ત્યાં ગુજરાતીમાં સાગર સમ્રાટ અને મહાસાગરનો માલિક એ નામથી તેના અનુવાદ થયા છે.મજાની વાત એ છે કે આ કથાનો નાયક આપણા ભારતનો એક રાજકુમાર છે, જે કેપ્ટન નેમો નામ ધારણ કરી પોતાની નોટિલસ નામની સબમરીનમાં વિશ્વના સમુદ્રોની સફર કરે છે.

યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની, ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી.

વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ જીવનવ્યવહાર માટે શેર બજારમાં શેર બ્રોકર તરીકે તકદીર અજમાવ્યું. ફાજલ સમયમાં તેમણે જાણવા જેવી હકીકતોની નોંધ રાખવી શરૂ કરી; વળી સાહિત્યસર્જન પણ શરૂ કર્યું.

1859માં સ્કોટલેંડ – ઇંગ્લેન્ડ સુધી લાંબી સમુદ્રયાત્રા કરી. તે સમયે ઇંગ્લેન્ડમાં લંડનના પોર્ટ પર બંધાઇ રહેલ વિશ્વવિખ્યાત જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ જૂલે વર્નના દિલમાં વસી ગયું. તું કદાચ જાણતી હોઇશ, અનામિકા! તે જમાનાના સૌથી મોટા આ મહાતોતિંગ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’નો ઉપયોગ પાછળથી પ્રશાંત મહાસાગર – એટલાંટિક સમુદ્ર (Atlantic Ocean) ના તળિયે ટેલિગ્રાફ કેબલ્સ બિછાવવામાં થયો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસ પછી તેમની કલ્પનાને નવી પાંખો ફૂટવા લાગી. 1861માં તેમણે બલૂનમાં આફ્રિકાના પ્રવાસની કાલ્પનિક સાહસકથા લખી. આ વાર્તા લઇને જૂલે વર્ન ફ્રેંચ પ્રકાશક હેઝલ પાસે પહોંચ્યા. સ્ટોરી વાંચી હેઝલે તેને વિસ્તૃત નવલકથા રૂપે લખવા સૂચન કર્યું. તે સાહસ-પ્રવાસકથા વિસ્તૃત નવલકથા તરીકે ‘ફાઇવ વિક્સ ઇન અ બલૂન’ નામથી પ્રકાશિત થઇ. તેને વાચકોનો ભારે પ્રતિસાદ મળ્યો. બસ , અનામિકા, તે પછી જૂલે વર્નની કલમ ક્યારેય રોકાઇ નહીં અને વિશ્વને લેખક–પ્રકાશકની એક અમર જોડી મળી.

જૂલે વર્નની ઘણી ખરી કૃતિઓ પહેલાં સામયિકોમાં સિરિયલ રૂપે અને ત્યાર બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. સાહસકથા – વિજ્ઞાનકથાઓ ઉપરાંત તેમને નાટકમાંથી પણ ધૂમ કમાણી થઇ. તેમણે બ્રિટીશ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ પર મુસાફરી કરી ઘણી પ્રેરણા મેળવી. જૂલે વર્ન પોતાનાં અંગત શીપ ‘સેંટ માઇકલ’’ જહાજ પર મુસાફરી કરતાં કરતાં લખતાં.

તમને જાણીને દુ:ખ થશે કે તેમની પાછલી જિંદગી ઉપાધિઓના ઘેરામાં વીતી. જેણે જૂલે વર્નનાં પુસ્તકોને દુનિયા સમક્ષ મૂક્યાં તે પ્રકાશક મિત્ર હેઝલ, પ્રેમાળ માતા અને આત્મીય ભાઇ સ્વર્ગે સિધાવ્યાં. કાન અને આંખો દગો દેવા લાગ્યાં. અર્ધપાગલ ભત્રીજાએ આકસ્મિક રીતે પગમાં ગોળી મારી તેમને લંગડાતા કરી દીધા હતા. ડિપ્રેશનમાં આવીને જૂલે વર્ન પોતાનો પત્રવ્યવહાર, નોંધો, નોટબુક્સ, કેટલીક પ્રકાશિત- અપ્રકાશિત હસ્તપ્રતોનો કીમતી ખજાનો નાશ કરતા ગયા. 25 માર્ચ 1905ના દિવસે જૂલે વર્ન દુનિયા છોડી ગયા.

જૂલે વર્નનાં ખ્યાતનામ પુસ્તકોમાં ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’ (1864), ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મુન’ (1865), ‘ટ્વેંટી થાઉઝંડ લીગ્સ અંડર ધ સી’ (1869) તેમજ ‘અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ’ (1872)નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં છે. વિજ્ઞાનકથાઓના સાહિત્યમાં જૂલે વર્ન અમર રહેશે!