Mahakavi Premanand Rachit: Sudamacharitra

કવિ પ્રેમાનંદ કૃત સુદામાચરિત્ર (નરસિંહ કૃત 'સુદામાચરિત્ર'ની વાચના સાથે)

સંપાદક: ઈશ્વરલાલ દવે, ચિમનલાલ ત્રિવેદી


'સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ' 'ચંદ્રહાસ આખ્યાન', 'રણયગ્ન', 'અભિમન્યુ આખ્યાન', 'દશમસ્કંધ' , 'હૂંડી', 'સુધન્વાખ્યાન', 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.

ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે. પુરાણો સમા પવિત્ર ગણાંતા વ્રત-તહેવારો અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપુર્વ સંગંમ જોવા મળે છે. સાહત્યિક ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાંનદ આપણાં મહાન કવિ છે. આજે પણ એમનાં આખ્યાનો વાર્તારસ સાથે કાવ્યાનંદ આપી, ધર્મરસ સાથે સંસારરસ આપી શિક્ષિતો-અશિક્ષિતો અને અબાલવૃદ્ધ સહુને આકર્ષી રહ્યા છે.

તેઓ ધારે ત્યારે શ્રોતાજનોને હસાવતાં, ધારે ત્યારે રડાવતાં અને ધારે ત્યારે શાંતિરસના ઘરમાં લઈ જઈ બેસાડતાં. એમની ખુબી એ હતી કે, એમને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી ન હતી અને એ એવી સ્વાભાવિક રીતે કરતાં કે લેશમાત્ર પણ રસભંગ થતો નહીં. વિશાળપટમાં ફરી વળતી પરલક્ષી કવિતાનાં આ સ્વામી મધ્યકાલીનનાં આપણાં કવિશિરોમણિ છે જ અને સમસ્ત ગુજરાતી સાહિત્ય એમનાં થકી ધન્ય બન્યું છે.

એમનાં કેટલાંક આખ્યાન ગુજરાતી સાહિત્યનાં ખજાનાનાં અમૂલ્ય રત્ન સમાન છે. પ્રેમનંદની કૃતિઓ લહિયાઓના હાથે લગભગ બસો વર્ષ દરમ્યાન લખાયેલી છે. સામાન્ય રીતે દરેક કૃતિઓ સાથે પ્રાચિન હસ્તપ્રતનાં મુળપાઠ તરીકે સ્વીકારાયાં છે.